હું માનવ, માનવતા શોધું, તોય ઘણું

Udaipur, India

“માનવતા કે નામ પે કુછ દે દે રે બાબા..” આવું કોઈ ભિખારી પાસેથી સાંભળ્યું છે ક્યારેય? ભિખારી એટલે સૌથી છેવાડાનો માણસ, અંત્યોદય નગરિક. એ, એનું કામ પાર પાડવા અલ્લાહ કે ભગવાનનું જ નામ વટાવે છે. માનવતા શબ્દ તો એણે સાંભળ્યો પણ નહીં હોય! અને જો સાંભળ્યો હશે તો તેણે એના પર વિશ્વાસ જ નહીં હોય. કેમ કે એણે તો ધર્મનાં નામથી સહાનુભૂતિ એકઠી કરીને પોતાનું પેટિયું રળવામાં જ રસ હોય. શું એનો કોઈ ધર્મ હશે? મૂળભૂત રીતે તે કયા ધર્મનો અનુયાયી હશે? એનાં કોઈ વડવા કે આંબો હશે કે જે એને સુચિત કરે જે એ જે તે ધાર્મિક કૂળનો છે અને અમુક તમુક કારણોસર એણે આવું હીનતા ભર્યું જીવન વ્યતિત કરવાનું છે! ભૂખ્યાને રોટલી જ ધર્મ હોય, પછી એ ગમે તે દેશ, પ્રદેશ કે રાષ્ટ્રનો હોય.

પરચૂરણ આપીને આત્મશ્લાઘાથી છલી ગયેલ સમાજનો મધ્યમ વર્ગીય નાગરિક, ગરીબની દુવા મળી એમ રાજી થાય છે. ધર્મને નામે માનવતાનું મોટું કામ કર્યું હોય એવો સંતોષ લે છે. અહીં માનવતાનું નામ સાંભળ્યું હોય એવા લોકો મળી આવે ખરા! સેવાભાવી બની માનવતાને શોધનારા ધર્મનિરપેક્ષ કે વધારે હઠાગ્રહી ન બની સામાન્ય જીવન જીવનાર ટોળું કે જેને ગાડરિયો પ્રવાહ પણ કહી શકાય એવો સમાજનો હિસ્સો જેમાં ધર્માંધતા છે અને સેવાનિષ્ઠા પણ છે. અહીં પણ માનવતા છડેચોક ઉછળતી – કુદતી કે વિકસતી નજરે પડતી નથી જ. હા, ક્યાંક-ક્યાંક, ક્યારેક-ક્યારેક ડોકિયું ચોક્કસ કરે છે.

માનવતાની શોધ ઉચ્ચ કક્ષાનાં શ્રીમંત કબિલામાં કરવી એ તો કોલસાની ખાણમાં હિરા વીણવા જેવું અઘરું કામ છે. જાહોજલાલી સભર પ્રસિધ્ધિનાં રાચરચીલામાં ખૂણેખાંચરે ક્યાંક બેઠી તો હોય છે એમાં ના નહીં, પ્રમાણિકતાની સાવરણીથી ફંફોસીને શોધીએ તો ચોક્કસ મળી જ જાય!

શું?

માનવતા જ તો વળી..!

માનવતા? આ મનવતા તે વળી છે શું? માનવતા, ઓહ્હ, ન ઓળખી એ ને! ઉપરનાં ફકરા વાંચીને મનમાં ચોક્કસ પ્રશ્નો ઉદ્ભવે જ. પ્રશ્નો ન થાય તો ઉપાધી કે’વાય. માનવતાની ચોક્કસ વ્યાખ્યા તો ઘણાં લેખકો કે કવિઓની કલમે લખાયી જ હશે. જેનો ટૂંકો સાર કાઢીએ તો એક માણસ બીજા માણસને કામ આવે, એકબીજા પ્રત્યે સહિષ્ણુતાની ભાવના દાખવે, કોઈ કોઈનું વેર ન રાખે કે કોઈને હાની ન પહોંચાડે! બિનશરતી અને નિઃસ્વાર્થ લાગણી..! વસુધૈવ કુટુંબકમની ભાવના… ઓહોહ્હ્હ્હ તો એ છે મનવતા…

બીજો પ્રશ્ન ખડો થાય છે કે મનુષ્ય સાથે સંકળાયેલ આ મહામૂલી લાગણી ખોવાઈ ક્યાં કે શોધવાની જરુર પડે? એ ખોવાઈ નથી, એ કદાચ કોકડું વળીને સંકોચાઈને કયાંક બેઠી હશે! એ કેમ આમ સંતાઈ હશે? એ ગભરાઈ ગયેલી છે. થોડી મૂંઝાઈ પણ ગઈ છે. કેમ? કેમ કે એને બીક છે નરાધમ કૃરતાની, એને સંતાપ છે અંધશ્રધ્ધાથી, શર્મિંદગી છે લાલચના લોભથી. માનવતા હેબતાઈને ધર્મ સાથે જોડાયેલ અધર્મ, પ્રલોભનો સાથે સંકળાયેલ ભ્રષ્ટાચાર અને સતાનાં ચકડોળે ડોલતા વિશ્વમાં પોતાનું અસ્તિત્વ ખોરવાયું છે એ જાણીને કાચબો પોતાના જ કોચલામાં માથું ભરાવી દે છે એ રીતે દરેક માનવનાં મનમાં બેવડું વળી ગયું હોય એવું લાગે છે..! જો દરેક હાડચામથી જડેલો મનુષ્ય માનવતાનો ધર્મ અપનાવે તો? હા કેમ નહીં? અત્યારે તો ધર્મ જ ઝનૂન થઈ ગયો છે, જીદ્દ બની ગયો છે. અસ્તિત્વની હોડમાં અહમ અને અધર્મનાં રસ્તે માનવતા કચડાતી જણાય છે, જેનો ભોગ આખી માનવજાત બને છે. નિર્લેપ પ્રયત્નોથી માહ્યલાંમાની માનવતાને સહજ ભાવથી શોધવા પ્રયત્ન કરે તો.. જીવન જ જન્નત કે સ્વર્ગ બની જાય..!

દિલ્લગીઃ
ભૂખને ક્યાં કોઈ એક જ ધર્મ કે ભાષા હોય છે? ભૂખ તો માણસને લાગે છે;
લાલ, લીલી કે નીલા કાગળ સાથે રોટલી આપશો તો ભૂખ્યો રોટલી જ ખાશે.

લેખક :- કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

ટીપ્પણી