શું તમારે સૈનિક બનવું છે ?

soldier_in_multicam

 

આપણે દર વર્ષે ફટાકડા અને મીઠાઈથી દિવાળી સારી રીતે મનાવી શકીએ એ માટે પોતે બંદૂક, ટોપ અને મિસાઇલથી ખૂનની હોળી રમે એ લાખો સૈનિકોને કરોડો ધન્યવાદ છે.

આપણને દેશ માટે શહીદ થનાર કેટલા સૈનિકોના નામ આવડે છે ? ક્રિકેટરો અને એક્ટરોને સૌ કોઈ ઓળખે છે, સૈનિકોને કોઈ ઓળખતું નથી. પરંતુ સાચા ‘ હીરા ‘ તો તેઓ જ છે.

સૈનિકો પોતાના માતા-પિતા, પુત્ર, પત્ની, પરિવાર, ગામ, ઉત્સવ, આનંદ….બધું જ છોડી સરહદ પર દેશની ખડેપગે રક્ષા કરે છે.

સૈનિક એટલે બલિદાનનું બીજું નામ. માં-ભોમ માટે દેશદાજથી પોતાનો આત્મા સમર્પિત કરે એ સૈનિક. તેઓ મોતને હાથમાં લઈને ફરે છે.

આર્મીને ખાસ ડ્રેસ હોય છે. તેઓ મીલીટરી બેઝમાં રહે છે. યુદ્ધ અટકાવે છે. અને જરૂર પડે ત્યારે – દેશના મોટા પ્રશ્નો વખતે કડક કામગીરી બજાવે છે.

શાંતિના સમયે તેઓ રોડ બનાવે છે. અને કુદરતી આપત્તિમાં ફસાયેલા દેશવાસીઓની મદદ કરે છે.

સૈનિકોનું ઋણ આખા દેશ પર કહેવાય. માટે શાળામાં વર્ષે બે-ત્રણ વાર સૈનિક ફંડની ઉઘરાણી આવે, ત્યારે આપણે આપણા ખિસ્સા ખર્ચના તમામ પૈસા આપી દેવા જોઈએ.

આપણી પરીક્ષાની તારીખ નક્કી હોય છે. પણ યુધ્ધને કોઈ તારીખ નિશ્ચિત હોતી નથી. સૈનિકને રોજ કવાયત કરી તૈયાર રહેવું પડે છે.

સૈનિકના ૩ પ્રકારો છે : (૧) નૌકાદળ (૨) વાયુદળ (૩) ભૂમિદળ. દેશના રાષ્ટ્રપતિ નીચે ત્રણેય દળના મુખ્ય અધિકારીઓ સેવા કરે છે.

ધોરણ ૧૦ કે ૧૨ પછી NDA ( નેશનલ ડિફેન્સ એકેડમી ) દ્વારા તેની પરીક્ષા લેવાય છે.

સમય અને અનુભવના આધારે સૈનિકને લેફ્ટનન્ટ, કેપ્ટન, મેજર, કર્નલ વગેરે પદવીઓ મળે છે.

દેશ માટે જન ન્યોછાવર કરનારને ‘ પરમવીર ચક્ર ‘ પણ પ્રાપ્ત થાય છે.

સૈનિક થવા દ્રઢ શારીરિક બાંધો અને કઠોર મનોબળ હોવું જોઈએ. જે-તે માણસ સૈનિક ન થઇ શકે. વળી, ઓછો પગાર તથા ઠંડી – ગરમી – વરસાદ – યુદ્ધમાં પાછું ન પડવું અને પરિવારથી દુર રહેવું એ કંઈ નાની સુની કસોટી નથી.

સૌજન્ય : ટહુકાર

ટીપ્પણી