શું તમારે સમાજ સેવક બનવું છે ?

social-worker

 

ભારતમાં આજે ૪૦ કરોડ લોકો એવા છે કે જેને ૩ સમય પૂરું ભોજન મળતું નથી. આદિવાસી વિસ્તારમાં આજે કરોડો લોકો અંધશ્રદ્ધાભર્યું વિચિત્ર જીવન જીવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં દવાના અને શિક્ષણના અભાવે કરોડો બાળકોનું જીવન ભરડાઈ રહ્યું છે. આઝાદીને ૬૨ વર્ષો વીતી ગયા છતાં ભારત હજુ વિકસિત રાષ્ટ્ર બન્યું નથી. આવા સમયે બધા જ લોકો પોતાનો વિચાર કરે એ ન ચાલે. કોઈકે તો સમાજ સેવક બનવું જોઈએ.

ફક્ત પૈસા કમાવા કરતા સમાજની સેવામાં રસ હોય, તે સમાજ સેવક બની શકે. મેડીકલ, એજ્યુકેશન, સાક્ષરતા, આદિવાસી ઉત્કર્ષ, પછાત સહાય, સ્ત્રી વિકાસ, બાળ સંરક્ષણ, સ્વચ્છતા વગેરે અનેક ક્ષેત્રોમાં સમાજ સેવક કામ કરે છે.

સમાજ સેવક સંસ્થાઓ લાખો – કરોડો રૂપિયાનું દાન ભેગું કરી તેને સમાજ સેવકો દ્વારા જરૂરતમંદ કે આપત્કાળગ્રસ્ત લોકો સુધી નિ:સ્વાર્થભાવે પહોંચાડે છે.

સમાજસેવકો નાના પાયે કપડા, પાણી, પુસ્તકો, ખોરાક વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતો ભેગી કરી ગરીબોને વહેંચે છે.

દુનિયામાં સાચા સમાજ સેવકો ખૂબ જ ઓછા હોય છે. જેમાં રવિશંકર મહારાજ એક આદર્શ ઉદાહરણરૂપ છે. અનેક સેવાભાવી સંસ્થાઓમાં જોડાઈ અનેક સેવાભાવી લોકો આજે પણ પોતાનું સમગ્ર જીવન સમાજ માટે અર્પણ કરી દે છે.

આમ તો કોઈપણ માણસ નિ:સ્વાર્થભાવે સમાજસેવા કરી શકે, પરંતુ તે સારી રીતે થાય તે માટે ધોરણ ૧૨ પછી BSW અને MSW જેવા કોર્સ ચાલે છે.

દુનિયામાં સમાજસેવકો ન હોય અને ફક્ત પૈસા કમાનાર લોકો જ હોય, તો સમાજ જીવવાલાયક ન રહે.

આજે સમાજ સેવા તો ઘણા કરે છે, પરંતુ આયોજનબદ્ધ, નિ:સ્વાર્થ અને પ્રામાણિક સમાજસેવા કરનાર સંસ્થાઓ પણ ઓછી છે. આનંદની વાત તો એ છે કે BAPS સંસ્થા આ માટે શુદ્ધ ઠરી છે. મંદિરની છત્રછાયામાં ૧૬૨ થી વધુ સામાજિક પ્રવૃતિઓ ચાલે છે. એમાં ભળવું એ પણ સમાજસેવક બનવા જેવું જ છે.

સમાજસેવકે પોતાની સ્વતંત્ર કારકિર્દી છોડી દેવી પડે છે. પોતાના કુટુંબથી જુદા પડી સમગ્ર વિશ્વને માટે જીવન જીવવું પડે છે.

ટીપ્પણી