શું તમારે શિક્ષક બનવું છે ?

teacher

કોઈપણ દેશનું લેવલ તે દેશના શિક્ષકોના લેવલથી ઊંચું ન જ હોઈ શકે.’ -આ એક જ વાક્ય શિક્ષકોના મહિમા માટે પુરતું છે.

મહાન નીતિજ્ઞ ચાણક્ય કહે છે : કોઈ શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી. પ્રલય અને નિર્માણ તેની ગોદમાં આકાર પામે છે.

દરેક મહાન કે મોટા માણસ પાછળ સારા શિક્ષકનો હાથ હોય છે. વ્યક્તિ પોતાના શિક્ષણકાળની સારી કે ખરાબ છાપ ભૂલી શકતો નથી.

શિક્ષક બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર અને પુસ્તકોનો ઉપયોગ કરે છે, પરંતુ તેના વર્ગ ખંડમાં વિશ્વનું ભવિષ્ય સર્જન પામે છે.

શિક્ષક એ જ્ઞાનનું કેન્દ્ર છે. તે જ માણસને બુદ્ધિનું ઘડતર કરી માણસ બનાવે છે.

તમીલનાડુના નાનકડા ગામના બ્રાહ્મણ કુંટુંબમાં જન્મેલો એક બાળક. તેને નાનપણથી જ શિક્ષક બનવું હતું. અને તેણે પોતાનું સપનું સાકાર કર્યું. તેઓ શિક્ષક જ નહીં, ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. આજે તેમની યાદમાં જ ‘ શિક્ષકદિન ‘ ઉજવાય છે. એમનું નામ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન.

બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજના પ્રોફેસર….વગેરે શિક્ષકોના અનેક પ્રકારો છે.

સાયન્સ, કોમર્સ, કે આર્ટસ દરેક સ્ટ્રીમમાં અભ્યાસ કરી, જે તે સ્ટ્રીમના શિક્ષક બની શકાય છે. PTC , B .ED., M .ED ., કરીને પણ શિક્ષક બની શકાય છે.

જેમ-જેમ દિવસો વીતે તેમ અનુભવી શિક્ષકનું મૂલ્ય વધે છે. વિદ્યાર્થીઓ તેમને વર્ષો સુધી યાદ કરે છે. ને ‘આચાર્ય દેવો ભવ ‘ ની ભાવના સાથે વંદન કરે છે.

આમ તો માણસે આખી જીંદગી કંઈક ને કંઈક શીખતા રહેવાનું છે. તેથી તેણે અનેક ગુરુની મદદ લેવાની થાય જ.

શિક્ષકને વિદ્યાર્થીઓને ભણાવતા સમયે ખૂબ જ ધીરજ રાખવી પડે છે. એકની એક વાત વારંવાર કરાવી પડે છે. રોજ સતત બોલવું પડે છે. ખરેખર શિક્ષક થવું એ પણ એક કસોટી છે.

સૌજન્ય : ટહુકાર

ટીપ્પણી