વિદુર નીતિ પાના નં: ૨

2

 

જે કુળોમાં માતા – પિતા સાથે કલેશ કરવામાં નથી આવતો, જે પ્રસન્નતાપૂર્વક ધર્મસંમત આચરણ કરે છે, જેનામાં કુળની પ્રતિષ્ઠા તથા કીર્તિ બનાવી રાખવાની ઈચ્છા હોય છે, જેના સભ્યોના આચરણ શ્રેષ્ઠ છે અને જેમનામાં અસત્ય તથા અસદને મહત્વ આપવામાં નથી આવતું તે કુળ ઉત્તમ છે અને એવા જ કુળોને મહાન કહી શકાય.

ધનહીન હોવા છતાં જે કુળ આચાર – વિચારમાં, વ્યવહારમાં સદાચારી હોય છે તે જ કુળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અને મહાન યશ પ્રાપ્ત કરે છે.

કોઈ પણ કુળ ધન – સંપત્તિથી શ્રેષ્ઠ નથી હોતું. શ્રેષ્ઠ કુળ તો એ છે જેમાં ઉત્તમ આચાર – વિચારની રક્ષા કરવામાં આવે છે. માટે સદાચારવૃત્તિની રક્ષા જ શ્રેષ્ઠતાની ઓળખાણ છે, દ્રવ્યના રક્ષણની નહિ.

જે કુળમાં ધન-સંપત્તિ, ગાય-ઘોડા, ઘેંટા-બકરા, ભૂમિ તથા પ્રભુત્વ, ઐશ્વર્ય તથા ભોગ અસીમિત માત્રામાં હોય પરંતુ આચાર-વિચાર, વ્યવહાર નીચ કક્ષાના હોય તેને ઉત્તમ કુળ માની શકાય નહિ.

જે ઉત્તમ કુળ બ્રહ્મ વગેરે પંચ દેવતાઓના મહાયજ્ઞનું અનુષ્ઠાન છોડી દે છે, નિંદનીય વિવાહ પરંપરા અપનાવી લે છે, વેદોનું અધ્યયન – અધ્યાપન છોડી દે છે તથા ધર્મ અને મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે તે પોતાની શ્રેષ્ઠતાને ખોઈ હીન કુળ બની જાય છે.

દેવતાઓ નિર્મિત શક્તિ તથા ધનને નષ્ટ કરવાથી, વિદ્વાનોના ધનને હડપ કરવાથી અને વિદ્વાનોનો અનાદર કરવાથી ઉત્તમ કુળ પણ નીચ કુળમાં ગણાઇ જાય છે.

વિદ્વાનો પ્રત્યે અપનાવેલી હિંસાથી, એમને રંજાડવાથી, એમની નિંદા કરતા રહેવાથી, કોઈની અમાનત હડપ કરી જવાથી ઉત્તમ કુળ પણ નીચ બની જાય છે.

જે કુળના સભ્યોનું આચરણ ભ્રષ્ટ બની ગયું હોય, તે ધન સંપત્તિ, ઐશ્વર્ય તથા પુરુષોની બહુમતિ હોવા છતાં હીન કુળ જ માનવામાં આવશે.

સજ્જન માનવી એ જ કામના કરે છે કે તેના કુળમાં કોઈ વેરી, બીજાનું ધન હડપ કરનારો, મિત્ર દ્રોહી, બેઈમાન, જુઠું બોલનારો, તથા પિતૃઓ, દેવો, તથા અતિથિઓની પહેલા ભોજન કરવાવાળો ન હોય કારણ કે એનાથી સંપૂર્ણ કુળ ભ્રષ્ટ બની જાય છે.

આચરણહીન જો ઉત્તમ કુળમાં જન્મ લે તો તે કેવળ કુળના પૂર્વ ગૌરવને કારણે શ્રેષ્ઠ નથી બની જતો. નીચ કુળમાં જન્મ લઈને પણ આચરણમાં શ્રેષ્ઠ માનવી પણ માત્ર કુળના કારણે નીચ નથી બની જતો. માનવીના ચારિત્ર્યથી કુળની શ્રેષ્ઠતા બને છે, કુળની શ્રેષ્ઠતાથી માનવીની નહિ.

ટીપ્પણી