મહર્ષિ અરવિંદના સુવિચાર પાના નં 2

maharshi-arvind

 

આપણે આપણા પશુરીતના વિકાસક્રમમાં અનેક પ્રદેશોને હજી જીતી શક્યા નથી. અનંત આનંદો, અનંત રત્નભંડારો, અનંત શક્તિઓ, સહજ જ્ઞાનના તેજોમય વિસ્તારો, આપણા સ્વરૂપની વિશાળ શાંત અવસ્થાઓ, આપણી રાહ જોઈ રહ્યા છે. જે લોકો સઘળા સ્વાર્થો, સઘળી સંકુચિતતાઓ છોડી દઈને નીકળી પડે છે, તે લોકો આ બધું મેળવ્યા વિના જંપતા જ નથી.

વિષમતામાંથી બચવું હોય તો, બહારનું જીવન જીવવા માટેની શીખ અંદરથી મેળવીએ. પોતાની પૂર્ણતા માટે બહારની સંસ્થાઓ અગર તંત્ર પર જરાય આધાર ન રાખીએ. જીવનના ઉમદારૂપે અને આકૃતિઓના નિર્માણ માટે વૃદ્ધિ પામતી પોતાની આંતરિક પૂર્ણતાનો જ ઉપયોગ કરીએ. આ રીતે અંતર્મુખ થવાથી ઉર્ધ્વતા પામી શકીશું, સત્યનું પ્રત્યક્ષ દર્શન કરી શકીશું. ને સચ્ચાઈપૂર્વક જીવી શકીશું.

ભગવાનના રાજ્યની સ્થાપના કરવી હશે તો પ્રથમ તો ભગવાનને જાણવા જોઇશે. જીવનના દિવ્ય સત્યને જોવું અને જીવવું જોઇશે. ભૂતકાળના નિષ્ફળ ગયેલા ખ્યાલો અને કાર્યોનો ભગવાનના રાજ્યની સ્થાપના માટે કઈ રીતે ઉપયોગ થઇ શકે તે વિચારવું જોઇશે. મહાન આદર્શના પ્રકાશ ભણી દોરી જતી શક્તિના સમર્થ ઉપકરણ બનવા માટે પોતાની જાતને તૈયાર કરવી જોઇશે.

જુદા જુદા ધાર્મિક સંપ્રદાયોના ઝઘડા જુદા જુદા લડી રહેલા વાસણોના ઝઘડા જેવા છે. દરેક વાસણ એવી તકરાર કરતુ હોય છે કે, હું એકલું જ અમૃતત્વને ધારણ કરું છું. આ તકરાર ભલે ચાલ્યા કરે આપણું કામ તો એ છે કે, આપણે આ અમૃત પાસે પહોંચી જઈએ. અને અમૃતત્વ મેળવી લઈએ.

જે સમાજ પ્રગતિ નથી કરતો, એ સમાજ બંધિયાર બની જાય છે, તેમાં મનુષ્યત્વ મરી પરવારે છે. મનુષ્યત્વ સામાજિક તંત્રની બેડીઓમાં જકડાઈ જાય, કચડાઈ જાય, એ સ્થિતિ અનિવાર્યપણે જડતા તરફ અને જીવનશક્તિના હ્રાસ તરફ દોરી જશે. જીવનશક્તિ વહેતી રહે અને જ્ઞાનની ક્રાંતિનો ઉદય થાય ત્યારે જ સમાજ બદલાય છે.

આપણે સમાજને પ્રગતિ અને ઉન્નતિનું સાધન બનાવવાને બદલે અત્યાચાર અને બંધનનું કારણ બનાવી દીધો છે. એ આપણા અધ:પતનનું, નિર્વીર્યતાનું કારણ બન્યો છે. મનુષ્યત્વને ઉન્નત કરો, એના મંદિરના દ્વાર ખોલી દો. એની અંદર બેઠેલા ભગવાનનો પ્રકાશ ફેલાવા દો. પછી સમાજ આપોઆપ ઉમદા બની જશે. એનું અંગેઅંગ સુંદર બની જશે. મુક્ત અને ઉમદા આશયોની પ્રવૃત્તિનું સફળ ક્ષેત્ર બની જશે.

ગીતાજી જગતનું શ્રેષ્ઠ ધર્મપુસ્તક છે. અસંખ્ય રત્નોથી ભરેલો અતળ સાગર છે. જીવનભર મથવા છતાં એના ઊંડાણનું અનુમાન થઇ શકે એમ નથી. એના તળિયાનો તાગ પામી શકાય એમ નથી. સેંકડો વર્ષોની શોધ પછી પણ એના અદ્રશ્ય રત્નભંડારનો હજારમો ભાગ પણ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. એના એકાદ – બે રત્નો મળી જાય તોય દરિદ્ર ધનિક બની જાય, ગંભીર ચિંતક – જ્ઞાની બની જાય, ભગવદદ્વેષી ભગવતપ્રેમી બની જાય, ને કોઈક મહાપરાક્રમી કર્મવીર જીવનનો ઉદ્દેશ્ય સાધવા કટિબદ્ધ બની જાય.

જે યોગ પરમાત્માની સભર પૂર્ણતાને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે તે જ પૂર્ણયોગ છે. જે દિવ્યપૂર્ણતાનો સાધક છે, તે જ પૂર્ણયોગી છે. જે કોઈ યોગ આપણને જગતથી સર્વથા દૂર લઇ જાય, તે ભલે દિવ્ય તપસ્યાનું ઊંચું રૂપ હોય છતાં એક પ્રકારનું વિશિષ્ટ સંકુચિત સ્વરૂપ જ છે. પોતાના પૂર્ણસ્વરૂપમાં પ્રભુ પદાર્થમાત્રને આલિંગી રહ્યા છે. આપણે પણ એવી જ રીતે સર્વને આશ્ર્લેષમાં લેતા થવાનું છે.

અહી ચાલી રહેલા યોગનું લક્ષ્ય બીજા યોગો કરતા જુદા પ્રકારનું છે. આ જગતની અજ્ઞાનથી ભરેલી ચેતનામાંથી ઉપર ચઢીને દિવ્ય ચેતનામાં પહોંચવું એટલું જ એનું લક્ષ્ય નથી, પરંતુ એ દિવ્યચેતનાની વિજ્ઞાનશક્તિને મન, પ્રાણ, અને શરીરના અજ્ઞાનમાં નીચે ઉતારવી, એ ત્રણેને નવું રૂપ આપવું, ભગવાનને અહી પ્રગટ કરવા જે જડત્વમાં દિવ્યત્વનું સર્જન કરવું એ છે યોગનું લક્ષ્ય.

આપણે અ યોગમાં જગતની કોઈપણ વસ્તુનો ત્યાગ કરવા માંગતા નથી રાજકારણ, ઉદ્યોગ, સમાજ, કવિતા, સાહિત્ય, કળા, વેગેરે સઘળી વસ્તુઓ કાયમ રહેશે. પરંતુ આપણે એ વસ્તુઓને એક નવો આત્મા અને એક નવું રૂપ આપવું પડશે.

ટીપ્પણી