મહર્ષિ અરવિંદના સુવાક્યો પાના નં ૧

maharshi-arvind-suvakyo

 

આપણા પૂર્વજો પાસે એક એવું જ્ઞાન હતું, એક એવી વિદ્યા હતી, એક એવી શક્તિ હતી કે જે એક ફૂંક માત્ર થી પણ યુરોપની સમસ્ત પ્રચંડ શક્તિ ને પણ તણખલાની પેઠે ઉડાવી દઈ શકે, એ શક્તિ મેળવવા માટે ઉપાસનાની-સાધનની જરૂર છે. પરંતુ આપણે શક્તિના નહિ સહજના ઉપાસક છીએ ને સાધના વિના શક્તિ શી રીતે પામી શકાય? આપણ પૂર્વજોએ ચિંતનનો મહાસાગર ડહોળીને મેળવેલ જ્ઞાન સહજમાં શી રીતે પમાય?

આદર્શો એ અકસ્માતો નથી, લાંબી તપસ્યાનું ને અનેક જન્મોનું ફળ છે. આદર્શો જેટલા તીવ્ર હોય, જીવન એટલું મહાન હોય. એક વિચારને ખાતર જીવી શકતા હોય, એવા આત્માઓ ખરેખર વિરલ જ હોય, હવે જે યુગ ઉદય પામી રહ્યો છે તેમાં ભૂતકાળના આદર્શોને બાજુ પર ફેકી દેવામાં આવશે નહિ, પરંતુ હવે તો પ્રથમ વાર જ એમની સાચી સફળતા પ્રાપ્ત થશે.

આપણે જેમ જેમ ઊંડાણમાં દ્રષ્ટિ કરીશું તેમ તેમ આપણને ખાત્રી થશે કે એક વસ્તુની ખાસ ખામી છે, જે મેળવવા સૌથી પહેલો પ્રયત્ન કરવો જોઈએ. અને એ છે શારીરિક શક્તિ, માનસિક શક્તિ, નૈતિક શક્તિ અને એ બધા ઉપરાંત એ બધાનો અક્ષય, અવિનાશી અને મૂળ સ્ત્રોત રૂપ આધ્યાત્મિક શક્તિ આપણામાં આ શક્તિઓ આવી હશે તો બાકીની બધી વસ્તુઓ સહેલાઈથી ને સ્વાભાવિક રીતે આવી મળશે. માટે શક્તિની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરીએ.

આપણે એવો ડર રાખવાની જરૂર નથી કે હિન્દ માં કોઈ ફેરફાર થશે તો એ એક જરી પુરાના યુરોપ જેવો બની જશે. હિંદુનું વ્યક્તિત્વ એટલું તો પ્રચંડ છે કે એના માટે આવો કોઈ વિનિપાત બનવાનો જ નથી. એનો આત્મા એટલો તો પ્રશાંત અને સ્વયં-પૂર્ણ છે કે તે આવી કોઈ શરણાગતિ સ્વીકારશે જ નહિ. હિન્દ પોતે જ પોતાની પરિસ્થિતિઓનું સર્જન કરશે, સમાજની વ્યવસ્થાનું ગુપ્ત રહસ્ય એ શોધી લેશે ને જગત અને આત્માનો સુસંવાદ મેળવવાની વાત પૃથ્વીની પ્રજાને રૂડી રીતે શીખવશે.

જેટલું બને એટલું અને બની શકે તો સંપૂર્ણ શાંતિમય રહેવાની સાથે કોઈ દૈવી કૃપા પર અડગ વિશ્વાસ અને શ્રદ્ધા રાખશો તો તમે જાતે જ સંજોગોને વધુને વધુ શુખદ બનવાનો અવસર આપી શકશો. તમને ભલે ગમે કે ન ગમે પણ સૌથી વધુ શ્રેષ્ઠ ત્યારે જ બને છે, અને તેમને જ સાપડે છે, જેમને પોતાનો સંપૂર્ણ વિશ્વાસ માત્ર દિવ્ય શક્તિમાં મૂકી દીધો છે.

હિંદુ ધર્મ સનાતન અને શાશ્વત ધર્મ છે. હિમાલય અને સાગરની વચ્ચે આવેલી હિન્દની શાંત ભૂમિમાં આ ધર્મ વૃદ્ધી પામ્યો છે. કાલ ના આનંત પ્રવાહમાં એને સુરક્ષિત રાખવા આ પુરાતન અને પુણ્ય ભૂમિમાં તે આર્ય પ્રજાને સોપાયેલ છે. પરંતુ એ ધર્મ કોઈ એક જ દેશની સીમમાં પુરાયેલો નથી. એ કોઈ પ્રદેશની આગવી મિલકત નથી એ તો બધા ધર્મને પોતાનામાં સમાવી લેનારો શાશ્વત અને વ્યાપક ધર્મ છે.

હિંદુ ધર્મ એક એવો ધર્મ છે કે જેણે ભૌતિક વિદ્યાની શોધખોળો તેમજ તત્વજ્ઞાનના મંતવ્યોનું સ્વરૂપ પહેલેથી પામી જઈને જડવાદ પર વિજય પામવાનું સામર્થ્ય મેળવી લીધું છે. પ્રભુ આપનાથી કેટલો સમીપ છે તેની પ્રતીતિ કરાવી છે અને પ્રભુપ્રાપ્તિના સર્વ માર્ગોનો પોતાનામાં સમાવેશ કર્યો છે. આ ધર્મજ સત્યને બુદ્ધિ દ્વારા સમજવામાં અને શ્રદ્ધા વડે માનવામાં સહાય કરે છે. અને સત્યનો સાક્ષાત્કાર પણ કરાવે છે.

જો તારા હૃદયને અંદરથી કષ્ટ થતું હોય, જો લાંબા ગાળા સુધી તું પ્રગતિ કરતો ન હોય, જો તારું બળ મૂર્છા પામતું હોય અને પશ્ચાતાપ અનુભવતું હોય તો પણ તું હમેશા આપણા પ્રેમી અને સ્વામીની શાશ્વત વાણીને યાદ રાખજે કે હું તને સર્વ પાપોમાંથી તથા અનિષ્ટો માંથી મુક્ત કરીશ, શોક ન કર.

આપણું પહેલું ધ્યેય છે, માનવ જાતિનું ઐક્ય સાધવું. આપણું બીજું ધ્યેય છે, માનવને પશુતામાંથી પાછો લાવી માનવતા વાળો બનાવવો, અર્થ પ્રધાન, બુદ્ધી પ્રધાન, ને કળા પ્રધાન જીવનમાંથી આધ્યાત્મિક જીવન ભણી લઇ જવો. અને આપણું ત્રીજું ધ્યેય છે, આધ્યાત્મિક શક્તિનું મનુષ્યના શરીરમાં અને ચિતમાં અવતરણ. આ અવતરણ થતા માનવ, માનવત્વ ને વિકસાવી પરમ માનવીની કોટિને પ્રાપ્ત કરશે.

અત્યારે આપણા માટે માતૃભૂમિ સિવાય કશું જ મહત્વ નું કે પ્રિય હોવું ન જોઈએ. માતૃભૂમિની સેવા માટે જ અભ્યાસ કરજો. તમારી જાતને મનને અને આત્માને તેની સેવા માટે જ તૈયાર કરજો. તમારી આજીવિકા પણ તેની સેવામાં જીવવા માટે જ મેળવજો. વિદેશ જાઓ તો પણ તેની સેવા માટેનું જ્ઞાન મેળવવા અને તેને સમૃદ્ધ બનાવવા માટે જ વિદેશ જજો. એના રાજીપા માટેજ સહન કરજો.

ટીપ્પણી