પ્રાર્થનાનું મહત્વ

Gujarati Jokes 362પ્રાર્થના એ પ્રભુ સાથે હૃદયથી અંતરી વાત પહોંચાડવાનો દિવ્ય માર્ગ છે.

મહાત્મા ગાંધી કહેતા કે ”પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.”

મનુષ્ય પ્રાર્થના દ્વારા પ્રભુના સાનિધ્યમાં પોતાનાં હૃદયની વ્યથા વ્યક્ત કરી હળવાશ અનુભવે છે.

સ્વામી દયાનંદ સરસ્વતી કહેતા કે ”પ્રાર્થના એટલે આત્માના અવાજને પ્રભુ સુધી લઈ જનાર સંદેશવાહક છે.”

આપણા હૃદયની ભાવના પરમાત્મા સુધી પહોંચાડવા માટે પ્રાર્થના એ એક ઉત્તમ માધ્યમ છે.

મનુષ્ય પોતાના હૃદયની સંવેદનાઓને પ્રાર્થના દ્વારા પ્રભુ સુધી પહોંચાડી હળવાશ અનુભવે છે.

પ્રાતઃકાળમાં અને સાયંકાળમાં મનુષ્ય પ્રાર્થના દ્વારા પ્રભુને યાદ કરે છે.

સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજી જીવનમાં રોજ ત્રિકાળ સંધ્યા દ્વારા પ્રભુને ત્રણ વખત યાદ કરવાની દિવ્ય વાત જણાવે છે.

શ્રી જયશંકર પ્રસાદ જણાવે છે કે ”પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે’

સવારે ઊઠતાંવેંત મનુષ્ય પ્રભુને યાદ કરી પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે અનેરાત્રે પ્રભુને યાદ કરીને દિવસની પ્રવૃત્તિઓની સમાપ્તિ કરી નિદ્રાધીન બની શાંતિ પામે છે.

આપણા ધર્મની દિવ્ય પ્રાર્થનાઓ સમષ્ટિના કલ્યાણ માટે જ હોય છે.

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ.” આ પ્રાર્થનામાં સમગ્ર સૃષ્ટિના કલ્યાણની ભાવના વહે છે.

સ્વાર્થવૃત્તિ સંતોષવા માટે કરવામાં આવતી પ્રાર્થના કનિષ્ઠ પ્રકારની પ્રાર્થના બની જાય છે,

પરંતુ સમષ્ટિના કલ્યાણ માટેની પ્રાર્થના સદ્ભાવનાની પવિત્ર સરિતા બની સૌનું કલ્યાણ જ કરે છે.

સ્વામી રામતીર્થ જણાવે છે કે, ”દરરોજ ઈશ્વરની પ્રાર્થના કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે. સ્વભાવમાં પરિવર્તન આવે છે, મનને શાંતિ અને તાજગી મળે છે,દિલમાં ઉમંગ પ્રગટે છે અને દિવ્ય જીવન જીવવાની પ્રેરણા મળે છે.”

મહાત્મા ગાંધી કહેતા કે, ”આપણા અંદરની ગંદકીને બહાર ન કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને હક્ક નથી.”

એક અંગ્રેજ લેખક સમજાવે છે કે, ‘‘There is no unanswered prayer.”

પ્રાર્થના કદી નિરર્થક જતી નથી. પ્રાર્થનામાં અદ્ભૂત શક્તિ છે. ઋષિઓ પ્રભુને પ્રાર્થના દ્વાર કહે છે.

મૂકં કરોતિ વાચાલં, પંગુ લંઘયતે ગિરિમ્ ।

યત્કૃષા તમહં વંદે, પરમાનંદ માધવમ્ ।।

જેની કૃપાથી મૂંગો બોલતો થાય છે. પાંગળો પર્વત ઓળંગે છે એવા પરમ આનંદરૃપ માધવ – પરમાત્માને હું વંદન કરૃં છું.

જન્મ વખતે આપણે મૂંગા જ હોઈએ ને ? – તેની કૃપાથી વાણી પ્રાપ્ત થાય છે.

જન્મ સમયે આપણે પાંગળા હોઈએ છીએ. – એક ડગલું પણ ચાલી શકતા નથી તેની કૃપાથી પર્વતો પર ચડી શકાય તેટલી શક્તિ પ્રાપ્ત થાય છે.

વેદમાં પરમાત્માને દિવ્ય પ્રાર્થના કરી છે કે –

અસતો મા સદ્ ગમય

તમસો મા જ્યોતિર્ગમય ।

મૃત્યોર્મા અમૃતંગમય

ઓમ્ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।

હે પ્રભુ, તું અમને અસત્યમાંથી સત્યને માર્ગે લઈ જા…

અજ્ઞાનરૂપી અંધકારમાંથી પ્રકાશરૂપી જ્ઞાન તરફ લઈ જા…

મૃત્યુમાંથી અમૃતના દિવ્ય માર્ગે લઈ જા અને જીવનમાં દિવ્ય શાંતિ પ્રસરાવો !!

પ્રાર્થનામાં અદભૂત શક્તિ છે, બળ છે, તે માનવને ઘોર અંધકારૂપી નિરાશામાંથી આશા તરફ લઈ જાય છે.

જીવનને નકારાત્મક અભિગમમાંથી હકારાત્મક અભિગમ તરફ દોરી જાય છે અને જીવનને દિવ્ય બનાવે છે.

સૌજન્ય : – વર્ધીભાઈ ર. ઠક્કર

ટીપ્પણી