“પન્ની- મા કાલી”- એક વહુ હમેશા પોતાના પરિવારની લાજ રાખે જ છે એ આ વાર્તાથી સાબિત થાય છે…

શોકસભા તો ક્યારનીય પુરી થઈ ગઈ હતી. ઘરના વડિલ શશીભાઈએ હાથ જોડી વિદાય પણ બે વાર માંગી હતી, પણ લોકો ઉઠવા જ તૈયાર નહી. પન્નાની વિદાયનું દુ:ખ આવેલા સહુના હ્દયે ખૂબ ભારી હતું.

પરાગ, શશીભાઈનો સૌથી નાનો, ત્રીજા નંબરનો દિકરો પૂના યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો ને ત્યાં જ તેને સાથે ભણતી પન્ના સોનવણે સાથે પ્રેમ થયો. સંયુક્ત કુટુંબ એવું બે મોટા ભાઈ- ભાભી, માતા-પિતા, દાદી, ફઈ વગેરે સાથે આમન્યામાં ઉછેરેલો પરાગ પન્ના વિષે ઘરમાં વાત કરતા ડરતો હતો, અચકાતો હતો. પરાગનો પોતા માટે સાચો પ્રેમ, પણ હિંમત થોડી ઓછી જોઈ, પન્નાએ જ પરાગે કરવાનું કામ પોતે કરવાનું નક્કી કર્યું.

તે જ સમયે પરાગના મોટા ભાઈ – ભાભી અને નાની બેન સપના, પરાગને મળવા પૂના આવ્યા હતા. પન્ના ઔપચારિકપણે જ તેમને મળી, ને હસીને વિનયપૂર્વક વાતો કરી. સપના અને ભાભીને ખરીદી માટે લઈ ગઈ. ને આમ પોતા માટેની ઊંડી, સારી છાપ તેમના મનમાં પાડી દીધી. પછી તો જ્યારે પણ મુંબઈથી કોઈ પણ આવતું તે પન્ના માટેની અચૂક વાતો કરતા, અને સારો અભિપ્રાય પણ આપતા. એકવાર કોઈક પૂજા પ્રસંગે, પરાગ સાથે પન્ના મુંબઈ, પરાગના ઘરે આવી ત્યારે પણ પાક્કી ગુજરાતી બનીને રહી. ને બસ, સહુની નજરમાં પન્ના, તેમના પરાગ માટે વસી ગઈ. ને પછી તો ધામધૂમથી લગ્ન કરી, ઘણી મહેનતે રાધા બની પોતાનો પ્રેમ પામી, પન્ના સોનવણેમાંથી પન્ના શાહ બની ગઈ.

“પૂર્ણ સાસરવાડીચા પ્રેમ મિળેલ તરી ચ નવરાચા પૂર્ણ પ્રેમ મિળુ શકતે.” નાનપણથી જ સાંભળેલા આ વાક્યને પન્નાએ પૂરેપૂરો આત્મસાત કરી લીધો હતો. ઘરના સર્વે નાના- મોટાની જરૂરીયાત, ગમા- અણગમાને ધ્યાનમાં રાખી, સાકરની જેમ નવા ઘરમાં, જુદા ધર્મમાં, અને અલગ રહેણી કરણીમાં સમાવવા પૂરેપૂરી કોશીષ કરવા લાગી. ને સફળતા પણ મળવા લાગી. હા..કામ કરી થાકતી જરૂર, પણ નોળિયો જેમ નોળવેલને સૂંઘે, તેમ પરાગના પ્રેમ-વિશ્વાસ મળતા તેનો થાક તો દૂર થતો જ, પણ તેનામાં ઉત્સાહનો સંચય પણ થતો. બસ, થોડ જ વખતમાં ઘરના અને સગા- સંબંધીઓ માટે આદર્શ વહુ, સીતા વહુ બની ગઈ. જાણે આખા ઘરનું અવિભાજ્ય અંગ બની ગઈ હતી. નાની નાની વાતે પણ સહુની મોઢામાં પહેલા પન્ના-પન્ની જ આવતું થયું. હવે ફક્ત પરાગની જ પન્ની ન રહેતા, આખા ઘરની પન્ની, પન્ની બેટા, પન્ની ભાભી, પન્ની કાકી થઈ ગઈ હતી.

થાડા વખત પછી પન્નાએ નોંધ્યું કે, સપના હમણાં થોડા વખતથી કોલેજથી સમય કરતા ઘણી વહેલી ઘરે આવી જાય છે, ને કંઈક વિચારમાં, અસમંજસમાં રહે છે. પહેલા પરાગ સાથે વાત કરી, પછી સમય જોઈ સપનાને મુંજવણ પૂછવાનું વિચારતી હતી, ત્યાં જ સપનાની ત્રણ – ચાર સખી ઘરે આવી. પન્ના તે બધાની ચા- નાસ્તાની વ્યવસ્થા કરી, ચા-નાસ્તો લઈને આવી ત્યારે દરવાજાની આડાશમાંથી જ તેણે થોડી વાતો સાંભળી, ને પછી તો ખાસ વાતો સાંભળવા ઉભી રહી. ને તે ચોંકી ઉઠી. પણ તેનો ચોક્કસ નિવેડો લાવવો જ પડશે એ વિચારી, જાણે કંઈ જ સાંભળ્યું નથી તેમ હસીને અંદર જઈ બધાને નાસ્તો કરાવ્યો. પછી હસતા હસતા કહ્યું,-

“અરે વાહ, કેટલી મજા કરો છો તમે બધા. મારી તો કોલેજ પતી ગઈ, હવે ક્યાં આવી મજા? આજથી હું પણ તમારા ગ્રુપમાં જોડાઈ જાઉં છું.”

“પણ, પન્ની ભાભી તમે…”

“નો, નાઉ નો ભાભી- બાભી, જસ્ટ ફ્રેન્ડ – ઓકે?”

“ઓકે.” સમૂહમાં અવાજ આવ્યો.

ને બસ, બે-ત્રણ દિવસ છોકરીઓ સાથે રહેતા થોડું થોડું જાણવા મળ્યું. જરા વધારે સહાનુભૂતિ બતાવતા ડરેલી, ગભરાયેલી મીનાએ વટાણા વેરી નાંખ્યા.

“ના પન્ની ભાભી, સપના ને બધા મને લડશે પછી. પણ મને ડર પણ બહુ લાગે છે.”

“જો મીની, ડરવાનું તો છે જ નહીં, કારણ હું તમારી સાથે છું, અને સપના નહી લડે તેની હું ખાત્રી આપું છું. બોલ હવે ડર્યા વગર મને બધું પહેલેથી કહી દે.”

“ભાભી, અમારી કોલેજમાં એક વિરલ છે, જે આપણા લત્તાના એમ.એલ.એ નો દિકરો છે. તે અને તેનું સાત-આઠ છોકરાનું ગ્રુપ અમને બધાને બહુ હેરાન કરે છે.”

મીનીની વાત અને આગળ પાછળના પ્રસંગોની કડી બરાબર પન્નાના મગજમાં બેસી ગઈ. ને પન્નાએ વિરલને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેને ડર હતો કે, જો ઘરમાં વાત કરે તો ક્યાંક દરેક મા-બાપ પોતાની છોકરીઓનું કોલેજ જવાનું જ બંધ કરાવી દે. પણ પછી વિરલનું શું? એની હરકતો તો બંધ થવાની નથી, અને કાલે બીજી છોકરીઓ એનો ભોગ બની શકે. ને પન્ના એની સમજ પ્રમાણે કામે લાગી ગઈ. કાયદાના હાથ તો એમ.એલ.એ ના ગજવામાં હતા. પહેલા પન્નાને ધમકીવાળા ફોન આવવા લાગ્યા, રસ્તામાં ગુંડાઓ આંતરવા લાગ્યા. છતાં ન અટકતા ખોટો આરોપ મૂકી પન્નાને બે દિવસ જેલમાં પણ જવું પડ્યું. બસ, ત્યારે બધાને પન્નાની હિંમત ને બહાદુરીની ખબર પડી. પછી તો બધા પન્નાની પડખે ઊભા રહી ગયા.

એક મહિલા વકીલ પાસે આખો કેસ ગયો, ને તેની કુશળતા અને પન્નાની સચ્ચાઈથી કેસ જીતી ગયા. જેમ કૃષ્ણએ કંસને મારવા અવતાર લીધો હતો તેમ પન્નાએ વિરલને જેલના સળિયા ગણાવવા જ અવતાર લીધો હોય તેમ, તેના બે દિવસના જેલવાસ દરમ્યાન થયેલા ઈન્ફેક્શનથી બે દિવસ ખૂબ તાવ આવ્યો ને ફટાકડાની જેમ ફૂટી ગઈ.

૮ માર્ચ મહિલા દિવસે જ પન્નાની વિદાયની શોકસભા હતી. હોલ તો ખીચોખીચ ભરાઈ ગયો હતો. ત્યાં મીનીના પપ્પા એક મોટું બેનર બનાવી લાવ્યા હતા, તે મૂક્યું હતું. તેમાં લખ્યું હતું,(કદાચ પન્નાને જોઈને જ આ લખાયું હશે.)

नारी प्रणये राधायताम्, નારી પ્રીતમાં રાધા બને,

गार्हस्थ्ये जानकीयताम्, ગૃહસ્થીમાં જાનકી બને,

शिरश्छेदने कालीयताम्, કાલી બની કાપે માથું,

सम्मानमानहानिप्रसंगे જ્યારે વાત હોય સન્માનની

પન્નાને સલામ.

સૌજન્ય : સ્ટોરી મિરર

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

શેર કરો અને લાઇક કરો અમારું પેજ.