ટોચનો ક્રમ મેળવનારી અંકિતા ગુજરાતની પ્રથમ ટેનિસ પ્લેયર

News6_20130507184054793અમદાવાદની પ્રતિભાશાળી ટેનિસ પ્લેયર અંકિતા રૈનાએ સફળતાનું વધુ એક શિખર સર કરતા વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. અંકિતા ડબલ્યુટીએ સિંગલ્સ રેન્કિંગમાં ભારતની નંબર વન ટેનિસ પ્લેયર બની છે. ગુજરાતની ટેનિસ પ્લેયર ભારતની નંબર વન ખેલાડી બની હોય તેવો પ્રથમ બનાવ છે. હાલ જારી કરાયેલા ડબલ્યુટીએ રેન્કિંગમાં અંકિતા વર્લ્ડ રેન્કિંગમાં ૪૬૩મા ક્રમાંકે છે. અગાઉ રિષિકા સુંકારા ભારતની નંબર-૧ ટેનિસ પ્લેયર હતી.

‘ઓલિમ્પિક્સમાં મેડલ મેળવવા લક્ષ્ય’

ભારતની નંબર વન ટેનિસ પ્લેયર બન્યા બાદ અંકિતા રૈનાએ જણાવ્યું હતું કે, ‘ભારતની ટોચની ટેનિસ પ્લેયર બનીને મને આનંદ થયો છે. જોકે મારું સપનું ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવાનું છે. આ ઉપરાંત ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનવાની પણ મારું લક્ષ્ય છે. જોકે આ સ્વપ્ન પૂરા કરવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે.’

સાનિયા મિર્ઝા ૭૦૮માં ક્રમાંકે

સાનિયા મિર્ઝા ૭૦૮માં ક્રમાંકે ફસકી ગઈ છે. એકસમયે સાનિયા ભારતની નંબર વન ટેનિસ પ્લેયર હતી અને તેણે ઓગસ્ટ ૨૦૦૭માં વર્લ્ડની ટોપ-૨૭ પ્લેયરોમાં સ્થાન બનાવ્યું હતું. જોકે સાનિયાએ ડબલ્સમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવા સિંગલ્સમાં રમવાનું ઓછુ કર્યું હતું. જેના કારણે તેના રેન્કિંગમાં પડતી થઈ હતી. સાનિયા સિંગલ્સમાં છેલ્લે જુન ૨૦૧૨માં એસ્ટબોર્ન ટૂર્નામેન્ટમાં રમી હતી.