જો તમારે પત્રકાર બનવું હોય તો આટલું ધ્યાન રાખો !!

sonia4પહેલાના જમાનામાં ઋષિઓ દૂરનું જોઈ શકતા અને સાંભળી શકતા. પરંતુ આજે પત્રકારોએ સૌ માણસોને દૂરનું જોઈ શકતા અને સાંભળી શકતા કરી દીધા છે. અડધી દુનિયાની સવાર છાપાના વાંચનથી શરૂ થાય છે.

પત્રકારો છાપા, મેગેઝીન, ટી.વી., સમાચાર દ્વારા વિશ્વભરની માહિતી અને જ્ઞાન લોકો સુધી પહોંચાડે છે. હાથમાં ડાયરી, ખિસ્સામાં પેન, નાનો થેલો અને સાથે કેમેરામેન લઈને ફરતો પત્રકાર ભલે સામાન્ય લાગે, પરંતુ તે મોટા-મોટા લોકોને ચઢાવી કે પછાડી શકે છે.

પત્રકારો વર્તમાનને દર્શાવી સમાજને દિશા આપે છે. તેઓ શબ્દના પૂજારી છે. ‘કલમ તલવારથીય વધુ તેજ હોય છે.’ એ પ્રતીતિ પત્રકારો કરાવે છે. પત્રકાર બનવું એ ખૂબ જ એક્સાઈટીંગ જોબ છે. કારણ કે તેને જુદા જુદા સ્થળે, અનેક લોકોને મળી, જુદી-જુદી માહિતી ભેગી કરવાની થાય છે.

સને ૧૯૮૪ માં ઇન્દિરા ગાંધીના મર્ડર બાદ શીખ વિરોધી હુલ્લડો થયા. પરંતુ પત્રકારો દ્વારા થયેલ તેના સ્પષ્ટ રીપોર્ટીંગને કારણે ઘણા રાજકારણીઓને ભારે પડી ગયું હતું.

ભારતમાં વર્ષો પહેલા કટોકટીના સમયે પત્રકારોની સ્વતંત્રતા પર ઘણાએ તરાપ મારી, પરંતુ એ તરાપ શાહુડી પરના હુમલા જેવી સાબિત થઇ. જેના ડંખ લાંબા સમય સુધી સહેવા પડ્યા.

પત્રકાર આમ તો એક જ પ્રકારના હોય છે, પરંતુ સમય જતા ચોક્કસ ફિલ્ડમાં માસ્ટરી કેળવે છે. ધોરણ ૧૦ કે ૧૨ પછી ૩ – ૪ વર્ષનો જર્નાલિઝમનો કોર્સ હોય છે. તે પછી અનુભવ જ બધું શીખવે છે.

છાપા, મેગેઝીન કે ટી.વી. – રેડિયો પર વર્તમાન ઘટનાઓ ( ન્યુઝ ), સામાજિક સંબંધો, પ્રવર્તમાન પ્રશ્નો, રોજબરોજની ઉપયોગી કળાઓ, મનોરંજન વગેરે વિષયો પર પત્રકારો માહિતી પીરસે છે.

’ મીડિયા સામને હૈ તો પૂરા ઇન્ડિયા સામને હૈ.’ એ પંક્તિ મુજબ પત્રકાર થવું એ એક સુંદર તક છે. પત્રકાર સમાજમાં પ્રવર્તતા સડા કે કૌભાંડને ઉઘાડા પાડી સમાજને ચોખ્ખો અને તટસ્થ રાખે છે.

પત્રકારે સમાચાર ભેગા કરવા ખૂબ મહેનત કરાવી પડે છે. ઘણીવાર મોટું જોખમ ખેડવું પડે છે. ઘણી મહેનત પછીય તેને વધુ પ્રતિષ્ઠા મળતી નથી. આમ છતાં સતત કામમાં વળગ્યા રહેવું એ પત્રકારની સાધના છે.

સૌજન્ય : ટહુકાર

ટીપ્પણી