એડ્રેસ પૂછો

Gujaratijoks surat

તમે સુરતમાં અજાણ્યા હો અને તમારા હાથમાં એડ્રેસની ચિઠ્ઠી હોય. ઠેકાણું તમને જડતું ન હોય અને કોક પાનને ગલ્લે પૂછો તો શું જવાબ મળે ?

‘આફા ઓહે, નીં તો તીફા ઓહે ! નીં મલે તો ટપાલીને પૂછનીં ?’

સૌરાષ્ટ્રના કોક શહેરમાં તમે આ જ ચિઠ્ઠી લઈને ફરતા હો અને કોક પાનને ગલ્લે પૂછ્યું એટલે પત્યું. સૌથી પહેલાં તો તમારા હાથમાંથી ચિઠ્ઠી છીનવાઈ જશે અને પછી ત્યાં ઊભેલા તમામ માણસોના હાથમાં વારાફરતી ફરવા માંડશે.

‘અલ્યા આ જેન્તીલાલ પાંચોટિયા કોણ ? ઓલ્યા મોટી ફાંદવાળા તો નંઈ, ઈની બાયડી ભાગી ગઈ સે ઈ ?’

‘એ ના… હવે ! આ તો ઓલ્યા આંય ખડકીમાં રયે સે. લાંચ લેતાં પકડાઈ ગ્યા તા ઈ !’

ત્યાં તો ત્રીજો તરત ભજિયું મૂકશે : ‘ઈ તો જેન્તીભાઈ જંબુસરવાળા ! આ તો પાંચોટિયા સે, આ ઓલ્યા ઈ તો નંઈ ? ઓલ્યા બોલે સે ત્યારે મોંમાંથી થૂંક ઉડે સે ?’ પછી પાનની પિચકારી મારીને તમને પૂછશે, ‘તમારો જન્તીભાઈ થૂંક ઉડાડે સે ?’

તમે કહો કે : ‘ના ભાઈ, આ તો જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે. એમના વાઈફનું નામ મણિબહેન છે.’

‘જી.આઈ.ડી.સી. ને ?’ એક ભાઈ તરત જોમમાં આવી જશે, ‘અલ્યા મનિયા ! જા તો ઓલ્યા મુકેસભાઈને બોલાવી લાવ તો ?’ પછી તમારી આગળ ફોડ પાડશે : ‘એ ભાઈ જી.આઈ.ડી.સી. આગળ સિંગચણાની લારી લઈને જાતા હોય છે કોક વાર !’

પણ ત્યાં તો મણિબહેનની હિન્ટ પકડીને બીજા ભાઈ ઝુકાવે : ‘મણિબેનને ? હા હોં, આ ઓલી પાછલી સોસાયટીમાં એક મણિબેન રયે સે ! એમને પૂછી જોજો, કદાચ એમના ઘણીનું નામ જેન્તીભાઈ હોય ?’ ટૂંકમાં, દસ જ મિનિટમાં લગભગ અડધા શહેરને ખબર પડી જાય કે તમે કોઈ જેન્તીભાઈ પાંચોટિયાનું ઘર શોધો છો !

કોઈ રસ્તે જતા અમદાવાદીને એડ્રેસ બતાવો પછી વળતા હુમલા માટે તૈયાર રહેવું, કારણ કે અમદાવાદી પહેલા તો એડ્રેસને બરાબર ધ્યાનથી બે વાર વાંચી જશે. પછી અચાનક તમારી તરફ ડોળા કાઢી તમને ખખડાવવા માંડશે.

‘આ કોણે લખી આલ્યું ? આ એડ્રેસ તમને કોણે લખી આલ્યું ?’

‘કેમ ? કેમ ?’

‘ખો….ટું છે બોસ ! આખું એડ્રેસ જ ખોટું છે !

‘હેં હેં ?’

‘આ જુઓ ! આ એરિયા તો અમદાવાદ-9નો છે ! ને બોસ, અહીં તો અમદાવાદ-15 લખ્યું છે ! હવે ના મલેને ? ને એં…. આ જુઓ જિજ્ઞાસા સોસાયટી લખ્યું છે ને ?’

‘હા. જિજ્ઞાસા જ છે.’

‘પણ કઈ ? કઈ જિજ્ઞાસા ? અંઈ તો આગડી તો તંઈણ જિજ્ઞાસા છે બોસ ! એમાંથી કઈ ? બેંકવાળી કે બે માળવાળી ? લો….ચા…. છે ને બોસ ?’

તમે સંપૂણપણે ગૂંચવાઈ જાઓ એટલે પેલો અમદાવાદી તમારા ખભે હાથ થાબડશે, ‘ચિંતા ન કરો બોસ. કાલે તમે મને આ જ ટાઈમે, અંઈ અગાડી જ મલો ! એડ્રેસ મલી જસે !’ એમ કહીને એડ્રેસની ચિઠ્ઠી ખિસ્સામાં મૂકીને ભાઈ ચાલવા માંડશે !

 

ટીપ્પણી