આપઘાત કાયદાના વાદવિવાદ : હું મરી જઈશ અને તારું નામ લખી નાખીશ (દૂરબીન)

News46_20130709220233087

 

આપઘાત, આત્મહત્યા, સ્યૂસાઈડ એટલે શું? પોતાના હાથે જ પોતાના જીવનનો અંત આણવો. આપઘાત કરવો સહેલો નથી પણ જેને મરવું છે એને અઘરો લાગતો નથી. આપઘાત વિશે કહેવાય છે કે જિંદગી ઈશ્વરે આપી છે અને તેને લેવાનો પણ ઈશ્વર સિવાય કોઈને અધિકાર નથી. આમ છતાં આખી દુનિયામાં આપઘાત થાય છે. દરેક દેશમાં આપઘાત અંગેના કાયદા છે. આપઘાતની દુષ્પ્રેરણા માટે દસ વર્ષની સજા અને દંડ છે. આપઘાત કરવામાં નિષ્ફળ ગયેલા સામે પણ ફરિયાદ નોંધવામાં આવે છે. આપઘાતના કાયદા અંગે પણ વાદવિવાદ ચાલતા રહે છે. ફિલ્મ એક્ટ્રેસ જિયા ખાનના મોત અને સૂરજ પંચોલીની ધરપકડ પછી એ ચર્ચા પાછી ચાલી છે કે આપણે ત્યાં આપઘાતના જે કાયદા છે એ કેટલા વાજબી છે? શું એમાં પરિવર્તનની જરૂર છે ખરી? બધાં પાસે પોતપોતાનાં મંતવ્યો છે

તમે કોઈ દિવસ સાંભળ્યું, જોયું કે વાંચ્યું છે કે કોઈ પશુ કે પક્ષીએ આપઘાત કર્યો હોય? ના, આપણે એવું નથી સાંભળ્યું. માત્ર માણસ જ આપઘાત કરે છે. આપઘાતને ઘણાં ધર્મોમાં પાપ ગણવામાં આવ્યું છે. જિંદગી કુદરતે આપી છે અને તેને લેવાનો અધિકાર માત્ર તેને જ છે. પોતાનો જન્મ માણસના હાથની વાત નથી એટલે મૃત્યુ સાથે પણ માણસે ચેડાં ન કરવાં જોઈએ. આપઘાત ન થાય એના માટે દરેક દેશમાં હેલ્પલાઈન છે. તમને મરવાના વિચાર આવે છે તો અમને ફોન કરો. જિંદગીની ફિલોસોફી હોય છે અને મોતનું માતમ હોય છે. જિંદગી બધાંને વ્હાલી હોય છે પણ અચાનક કંઈક એવું બને છે કે માણસને જિંદગી ઝેર જેવી લાગવા માંડે છે અને એ ન કરવાનું કરી બેસે છે.

આપઘાતનો ઇતિહાસ છે અને નથી. સૌથી પહેલો આપઘાત કોણે કર્યો હતો? ક્યારે કર્યો હતો? શા માટે કર્યો હતો? કોઇને ખબર નથી. આપઘાતનાં કારણો પણ બુદ્ધિ બહેર મારી જાય એવાં હોય છે. અમેરિકામાં એક યંગ છોકરીએ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં એણે એવું લખ્યું હતું કે મેં મારી જિંદગી ભરપૂર જીવી લીધી છે. દરેક આનંદ માણ્યો છે. મને કોઈ અફસોસ નથી. જિંદગીમાં જે જોવું જોઈએ એ બધું જોઈ લીધું છે અને માણવું જોઈએ એ બધું માણી લીધું છે. કોઈ અધૂરપ નથી. હું જાઉં છું. બોલો લ્યો, આ આપઘાતને તમે શું કહેશો? અલબત્ત, સાયકોલોજિસ્ટે આ ઘટનાને પણ એક જાતનો મેન્ટલ ડિસઓર્ડર જ કહ્યો છે.

આપણા દેશની વાત કરીએ તો દરરોજ સેંકડો લોકો આપઘાત કરે છે. ૨૦૧૦માં એક લાખ નેવું હજાર લોકોએ આપઘાત કર્યા હતા. એક એવી માન્યતા છે કે સ્ત્રીઓ વધુ આપઘાત કરે છે, પણ એવું નથી, મરનારામાં પુરુષો વધુ હતા અને મોટા ભાગના મેરિડ હતા. આપણા દેશ વિશે આઘાત લાગે એવી બીજી હકીકત એ છે કે આપઘાત કરનારામાં યંગસ્ટર્સની સંખ્યા ઘણી મોટી છે. ૧૫થી ૨૯ વર્ષનાં છોકરાં-છોકરીઓનાં મોત કયાં કારણસર થાય છે? આપણને એવું લાગે કે એક્સિડન્ટના કારણે મરતાં હશે. હકીકત એ છે કે આ ઉંમરનાં યંગસ્ટર્સના મોતનું સૌથી મોટું કારણ આપઘાત છે. પરીક્ષામાં નાપાસ થવાથી અથવા તો નાપાસ થવાની બીકે યંગસ્ટર્સ આપઘાત કરે છે. ડોમેસ્ટિક વાયોલન્સ અને દહેજના ત્રાસના કારણે મરનારાઓની સંખ્યા પણ બહુ મોટી છે. આપઘાતનાં કારણો અસંખ્ય છે, પરંતુ પરિણામ માત્ર એક જ છે, મોત.

આપઘાત અણસમજાઈ છે. લાઈફ ઈઝ બ્યુટીફૂલ. પડકારો તો જિંદગીમાં આવવાના જ છે. નિષ્ફળતા કે હતાશાથી કંઈ હારી થોડું જવાય. આપઘાત તો કાયરનું કામ છે. આપઘાતની અગેઇન્સ્ટ આવી બધી વાતો થતી આવી છે. આ વાતો સાચી પણ છે. જોકે અમુક માનસિક હાલત એવી હોય છે કે માણસને જિંદગી કરતાં મોત સહેલું લાગે છે. આપણને એવો સવાલ થતો રહે છે કે એને જરાયે વિચાર નહીં આવ્યો હોય કે એની પાછળના લોકોનું શું થશે? કેટલાંક અફસોસ કાયદા અને સજા કરતાં પણ અઘરા અને આકરા હોય છે.

દરેક દેશમાં આપઘાત અંગેના કાયદાઓ છે. આપણા કાયદા તો અંગ્રેજોના જમાનાના છે. મજાની વાત એ છે કે અંગ્રેજોએ તો ઘણા કાયદાઓ બદલાવ્યા છે પણ આપણે ત્યાં હજુ એના એ જ જૂના અને વિચિત્ર કાયદા છે. એમાં બે કાયદાઓ તો ખરેખર ડિબેટેબલ છે. એક તો આપઘાતની દુષ્પ્રેરણા અને બે, આપઘાત કરતાં બચી જનાર સામે નોંધાતો ગુનો. કોઈ માણસે મરવા માટે ઝેરી દવા પીધી અને સમયસર સારવાર મળી જતાં એ બચી ગયો તો એની સામે ગુનો નોંધવામાં આવે છે. એક તો માણસ હતાશ હોય ત્યારે જ આવું પગલું ભરી બેસતો હોય છે અને સદનસીબે એ બચી જાય તો હતાશામાં વધારો કરે એવી ફરિયાદ તેની સામે નોંધાય છે. જાણે એને મરવાની મજા આવવાની ન હોય, ખુદ સુપ્રીમ કોર્ટે આ કાયદામાં ફેરફાર કરવા માટે બે વર્ષ અગાઉ વિનંતી કરી હતી. પણ હજુ સુધી કંઈ જ થયું નથી. ઘણાં દેશોમાં તો આપઘાતના પ્રયાસ પછી બચી જનાર માટે ખાસ કાઉન્સેલિંગ અને મદદ કરવાની વ્યવસ્થા છે. આપણે ત્યાં તો માણસને એના હાલ ઉપર છોડી દેવામાં આવે છે. ઉલટું ઘણાં તો એની માનસિક હાલત સમજવાને બદલે મરવાનાં નાટક કરતા હોવાના કે ઇમોશનલ બ્લેકમેઈલિંગના આક્ષેપો કરે છે. હકીકત એ છે કે આવા માણસની સ્પેશ્યલ કેર લેવાવી જોઈએ જેથી એ બીજી વખત આપઘાત કરવાની કોશિશ ન કરે.

બીજો કાયદો છે, આપઘાતની દુષ્પ્રેરણાનો. મતલબ કે કોઈના આપઘાત માટે કોઈને કારણભૂત ગણીને તેની સામે કાયદેસર કામ ચલાવવાનો અને સજા આપવાનો કાયદો. આપઘાત થાય એટલે સૌથી પહેલો સવાલ એ જ થાય છે કે કોઈ સ્યૂસાઈડ નોટ મળી? શું લખ્યું છે? કોનું નામ આપ્યું છે.? જેનું નામ હોય એ મર્યો. ઘણી સ્ત્રીઓ તેના પતિ અને સાસરિયાંઓને એવી ધમકી પણ આપતી હોય છે કે બહુ વાયડા ન થતાં, નહીંતર હું મરી જઈશ અને તમારાં નામ લખતી જઈશ.

દહેજના ત્રાસના કારણે મરી જનાર પરિણીતાના ઘણાં કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે, સાસરિયાંના આખા ખાનદાનનાં નામ લખી નાખ્યાં હોય. પતિના ત્રાસની વાત લખીને મરી જવાની ઘટના પણ કંઈ ઓછી નથી. મરતાં મરતાં પણ બતાવી દેવાની લાગણી છૂટતી નથી. કદાચ એવી પણ લાગણી હશે કે હું તો કંઈ ન કરી શકી પણ પોલીસ તો કરશે જ. પુરુષો પણ પત્નીના ત્રાસથી આપઘાત કરતાં હોવાના કિસ્સાઓ છે. કેટલી ઘટનામાં તમે એવું સાંભળ્યું છે કે કોઈ પતિ મરતાં પહેલાં એવું લખી ગયો હોય કે મારા મોત પાછળ મારી પત્ની કારણભૂત છે. નો ડાઉટ, આવું લખીને પણ ઘણાં ગયા છે પણ ટકાવારી કાઢો તો કદાચ પુરુષોની સંખ્યા ઓછી હશે.

બધી જ સ્ત્રીઓ ખોટું બોલી કે લખીને જાય છે એવું કહેવાનો મતલબ નથી. સાચી વાત મોટા ભાગે એ હોય છે કે ક્ષણિક ઉશ્કેરાટ કે નાના ઝઘડામાં માણસ અંતિમ પગલું લઈ લેતો હોય છે. તેના માટે માત્ર ને માત્ર એક વ્યક્તિ જવાબદાર નથી હોતી પણ ઘણાં બધાં કારણો જવાબદાર હોય છે. સૌથી વધુ તો માણસની માનસિક હાલત. કમનસીબે મોતના કિસ્સામાં પોસ્ટમોર્ટમથી મોત કેવી રીતે થયું તેનું શારીરિક કારણ તો જાણી શકાય છે પણ મરનારની માનસિક હાલત કેવી હતી તે જાણી શકાતું નથી.

ફિલ્મ એક્ટ્રેસ જિયા ખાને પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. પહેલાં તો બધાને એવું લાગ્યું કે તેની કરિયર પાટે ચડતી ન હતી એટલે હતાશ થઈ તેણે પોતે જ જિંદગી પૂરી કરી નાખી. કોઈ સ્યૂસાઈડ નોટ ન મળી. જોકે પછી તેના ડ્રોઅરમાંથી સૂરજ પંચોલીને લખેલા પત્રો મળ્યા. જિયાએ લખ્યું હતું કે, હું મારું સર્વસ્વ ખોઈ ચૂકી છું. તેં મને ક્યાંયની ન રાખી. મેં તને દિલથી પ્રેમ કર્યો પણ તેં મારી કોઈ દિવસ કદર ન કરી. મારા માટે હવે કશાનો કોઈ મતલબ નથી. ગોવાની ટ્રિપ, સેક્સ્યુઅલ રિલેશનથી માંડી એબોર્શન સુધીની વાતો જિયાએ પત્રમાં લખી હતી. આ પત્રોના આધારે આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સૂરજની ધરપકડ થઈ.

જિયાની મા રાબિયાખાન અને સૂરજની મા ઝરીનાએ એકબીજા સામે આક્ષેપો કર્યા અને પોતાનાં સંતાનોના બચાવ કર્યા. લોકો રીતસર બે ભાગમાં વહેંચાઈ ગયા. ઘણા સૂરજને ગુનેગાર ગણવા લાગ્યા તો કેટલાકે જિયાને નબળા મનોબળવાળી ગણાવી. સૂરજે કહ્યું કે, જિયા ઓવર પઝેસિવ હતી. મને દર કલાકે ફોન કરવાનું કહેતી હતી. અમારું બ્રેકઅપ થઈ ગયું હતું. ઘણાંએ એવું પણ કહ્યું કે સૂરજે મજા કરીને જિયાને છોડી દીધી. જિયાની માનસિક હાલત કેવી હશે? જિયાને એમ કેમ ન થયું કે એક તારા ઉપર ભૂંગળું થોડું ભાંગ્યું છે.? હું સ્વતંત્ર છું. કમાઉં છું પણ ના, જિયા સૂરજ પર આધારિત થઈ ગઈ હતી. બેમાંથી વાંક ગમે તેનો હોય, એક જિંદગીનો અકાળે અંત આવી ગયો. આ તો મોટાં માથાંનાં છોકરાં હતાં એટલે આટલી ચર્ચા થઈ. બાકી તો રોજ ને રોજ આવી ઘટનાઓ બનતી રહે છે.

રાજકોટની એક ઘટના છે. એક પરિણીતાએ આપઘાત કર્યો. મરતાં મરતાં લખી ગઈ કે પતિ મારું ધ્યાન નથી રાખતો એટલે હું મરી જાઉં છું. પતિની ધરપકડ થઈ. આ દંપતીનાં બે સંતાનો નોધારાં થઈ ગયાં. કાયદો છોકરાંવની ચિંતા કરતો નથી, એને તો બસ પુરાવા જોઈએ છે. ડાઈંગ ડેક્લેરેશનને ફાઈનલ ગણવામાં આવે છે. મરતો માણસ જૂઠું ન બોલે એવી ધારણા બાંધી લેવામાં આવે છે. આ ધારણા દરેક વખતે સાચી હોય એ જરૂરી નથી. એટલે જ એક મત એવો પણ વ્યક્ત થાય છે કે આપઘાતના કેસને માત્ર કાયદાથી માપવો ન જોઈએ પણ ગુણદોષના આધારે મૂલવવો જોઈએ. દરેક પરિસ્થિતિનું અવલોકન કરીને ચુકાદો આપવો જોઈએ.

એવું નથી કે માત્ર પ્રેમ કે લગ્નના પ્રસંગોમાં દુષ્પ્રેરણા ગણવામાં આવે છે. બીજી પણ અનેક પ્રકારની દુષ્પ્રેરણા હોય છે. કોઈ ગુંડાના ત્રાસથી કોઈ મરી જાય તો એ ગુંડાની દુષ્પ્રેરણા છે. રાજકોટમાં જમીનના વિવાદમાં નેપાળી પરિવારે આત્મદાહ કર્યો પછી આખું પ્રકરણ બહુ ચગ્યું હતું. કોઈ વિદ્યાર્થી નાપાસ થાય અને આપઘાત કરે તો શિક્ષણ વ્યવસ્થાની દુષ્પ્રેરણા ગણાય ? આપણા દેશમાં ૧૯૯૫થી લઈ આજ સુધીમાં અંદાજે ત્રણ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા છે. પાક નિષ્ફળ જતાં અને સરકારે સમયસર મદદ ન કરતાં આ ખેડૂતોએ આપઘાત કર્યા હતા. આ આપઘાત માટે કોને જવાબદાર ઠેરવવા? કુદરતને કે સરકારને? ઘણા લોકો કરોડોનું ફુલેકું ફેરવી જાય છે. જેના રૂપિયા ડૂબી ગયા તે હવે શું થશે એ વિચારે જીવ કાઢી નાખે છે. બંગાળમાં કરોડો રોકાણકારોનું કરી નાખનાર સુદિપ્ત સેન સામે આ પ્રકારની જ ફરિયાદ નોંધાઈ છે. વિજય માલ્યાની કિંગફિશર એરલાઈને દેવાળું ફૂંક્યું. તેના એક કર્મચારીને પગાર ન મળતાં આપઘાત કર્યો. આ ઘટનામાં બધો જ વાંક વિજય માલ્યાનો ગણાય? કે પછી એ કર્મચારીની માનસિક નબળાઈ ગણાય? કિંગફિશરમાં તો સેંકડો કર્મચારી હતા, એ બધાએ તો એક ચેલેન્જ ગણી આ પડકારને ઝીલી લીધો.

આપઘાતને માત્ર ને માત્ર કાયદાકીય રીતે જોવાને બદલે માનસિક રીતે પણ જોવાની જરૂર છે. ખાસ તો પરિવારજનોએ ઘરના સભ્યની માનસિકતા સમજવી જોઈએ. આપઘાતની કોઈ વાત કરે તો એને અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ. દરેક માણસની જિંદગીમાં ક્યારેક તો નબળા વિચારો આવતા જ હોય છે. માનસિક રીતે સંતાનને મજબૂત બનાવવાં એ પણ એક સંસ્કાર જ છે. કાયદો તો કાયદાનું કામ કરતો રહેશે અને કાયદાની કલમોના વાદવિવાદ પણ થતાં જ રહેવાના છે. જે ચાલ્યું ગયું એ પાછું આવવાનું નથી. કાશ, એવો કોઈ કાયદો હોત જેનાથી માણસને જિંદગી જીવવા જેવી લાગે અને જીવનનો અંત આણવાનું મન ન થાય. કોઈને નબળા વિચાર આવે તો કહેજો, કે, જી લે જરા, જી લે જરા, ડરતાં હૈ ક્યું, જી લે જરા…

સૌજન્ય : સંદેશ

ટીપ્પણી