અમિતાભના ડાયલોગ્સ રાજેશ ખન્નાની અદામાં :

Gujaratijoks aj

– જો અમિતાભ બચ્ચને ભજવેલા એન્ગ્રી યંગમેનના રોલ આપણા ‘સુપરકુલ’ રાજેશ ખન્નાએ કર્યા હોત તો ?

રાજેશ ખન્ના ‘સુપરસ્ટાર’ હતા અને અમિતાભ બચ્ચન ‘મહાનાયક’ છે.. આજે જ્યારે રાજેશ ખન્નાનો સ્વર્ગવાસ થઇ ગયો છે ત્યારે લોકોમાં આ બે સ્ટાર્સની સરખામણીની વાતો સ્વાભાવિક રીતે આવતી રહે છે. બન્ને પોતપોતાની રીતે ગ્રેટ છે. બન્નેની પોતપોતાની અદાઓ છે અને બન્નેની પોતપોતાની સ્ક્રીન-ઈમેજ છે. છતાં કલ્પના કરો કે જે રોલ અમિતાભ બચ્ચનને મળ્યા એ રોલ રાજેશ ખન્નાને મળ્યા હોત તો?

રાજેશ ખન્નાની અદામાં અમિતાભના સંવાદો કેવા લાગે?…

* * * * * * * *

‘‘ભાઈ તુમ સાઈન કરોગે યા નહીં?’’ શશીકપૂર રાજેશ ખન્નાને પૂછતો હોત.

જવાબમાં રાજેશ ખન્ના એના ગુરુ શર્ટનો કોલર સરખો કરીને, ગરદન સ્હેજ ઝૂકાવી, પાંપણો નમાવી શાંતિથી બોલ્યો હોત.

‘‘મૈં સાઈન કરુંગા રે…’’

આહાહા! ક્યા બાત હૈ! આખા સીનનો ચાર્મ જ બદલાઇ જાય!

ક્યાં પેલો આંખોમાંથી ઘૂમાડા કાઢતો અમિતાભ અને ક્યાં આ બરફમાં મુકેલી બરફી જેવો ‘સ્વીટ’ અને ‘કુલ’ રાજેશ ખન્ના! આયે હાયે…

‘‘અરે, મૈં સાઈન કરુંગા. જુરુર કરુંગા…’’ રાજેશ ખન્ના શશીકપૂરના ખભે હળવો ધબ્બો મારતાં કહેતો હોત ‘‘મગર સબ સે પહલે નહીં રેએએ!’’

આહાહા… ક્યા બાત!

‘‘અરે મેરે ભાઇ, પહલે ઉસ આદમી સે સાઈન લેકર આઓ ના, જિસ ને હમારે બાપ સે સાઈન લિયા થા, ઈન્સ્પેકટર બાબુ!’’

* * * * * * * *

‘‘મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બેન્ક બેલેન્સ હૈ! ક્યા હૈ તુમ્હારે પાસ?’’

ગરમાગરમ કાંદાવડા તળી તળીને આખે આખા ઝારા વડે તમારી થાળીમાં ઢગલો કરતો હોય અને તમે એ બઘું ખાધા પછી ‘છુટ્ટા નથી બોસ, પૈસા કાલે આલીશ..’ એમ કરીને ઊભા થઇ જવાના હો એની ખાત્રી હોવા છતાં તમને ઉધાર આપીને તમારું ઈન્સલ્ટ કરવા માગતો હોય એવા લારીવાળાની અદામાં અમિતાભ આવું બઘું ભરડી નાંખે છે!

પણ રાજેશ ખન્ના? આહાહા..

‘‘મેરે પાસ બંગલા હૈ રે… મેરે પાસ ગાડી હૈ રે… અરે, મેરે પાસ બેન્ક બેલેન્સ હૈ રે… ઔર મેરે પાસ ખૈતાન કે ૧૪૦ ફેન ભી હૈં રે!’’

આવું બઘું કીધા પછી રાજેશ ખન્ના પોતાનું સ્માઈલ સવા સેન્ટીમીટર ઓછું કરીને, ભ્રમરોને ૧૭ ડીગ્રીએ સામસામી ત્રાંસી કરીને જમણા હાથનાં ત્રણ આંગળાં (માત્ર ત્રણ જ આંગળાં હોં!) ખુલ્લાં કરીને પૂછે ઃ

‘‘મગર ભાઈ, તુમ્હારે પાસ ક્યા હૈ રે?’’

જવાબમાં શશીકપૂરે ભલે એમ કહેવાનું હોય કે ‘મેરે પાસ માં હૈ’ પણ એવો ‘પંચ’વાળો ડાયલોગ રાજેશ ખન્ના શશીકપૂરને બોલવા દે ખરો?

શશીકપૂર કંઇ બોલવા જાય એ પહેલાં રાજેશ ખન્ના એના ખભે હાથ મુકીને એક ‘દુઃખી’ સ્માઈલ સાથે કહેતા હોત ઃ

‘‘અરે મેરે ભાઇ, તેરે પાસ જો હૈ વો તો મેરે પાસ ભી કહાં હૈ? તેરે પાસ તો ‘માં’ હૈ રે…’’

આવું કહીને રાજેશ ખન્ના આંખમાં આવેલું આંસુ લૂછતો જતો રહે! અને જતાં જતાં છેલ્લો ડાયલોગ પણ એ જ મારતો જાય ઃ

‘‘ઘર જા મુન્ના! દેર હો ગઇ હૈ… માં રાહ દેખ રહી હોગી રે…’’

તાલિયાં… તાલિયાં…

* * * * * * * *

‘‘રીશ્તે મેં હમ તુમ્હારે બાપ લગતે હૈ… નામ હૈ શહેનશાહ…’’

શહેરની સૂમસામ રાતના સન્નાટામાં કાળું બખ્તર પહેરીને અમિતાભ આટલું જાડું દોરડું ખભે લટકાવીને શું લેવા ફર્યા કરતો હતો?

કદાચ એની ખોવાઈ ગયેલી ભેંશ શોધતો હશે!

પણ આપણો રાજેશ ખન્ના આવું બઘું વજન ના ઊંચકે!

એ તો ‘રાજા ઔર રાની’ ફિલ્મની જેમ સુંવાળું કાળું સ્લીવલેસ જાકીટ પહેરે, કુમળી દૂધી જેવા એના ગોરા હાથ બતાડે, અને તાજા ટામેટાં જેવું સ્માઈલ આપીને કહેશે ઃ

‘‘રીશ્તે મેં હમ તુમ્હારે કાકા લગતે હૈં રે…’’

* * * * * * * *

આવી બધા સરખામણીઓ જોઇને જો તમને લાગતું હોય કે રાજેશ ખન્ના આ બધામાં

જરાય ફીટ ના થઇ શકે, તો ચાલો બીજું એક ટ્રાય કરો.

રાજેશ ખન્નાનો એક ડાયલોગ અમિતાભ પાસે બોલાવડાવી જુઓ ઃ

‘‘એય એય એય! રોતી ક્યું હો? હાંય? રોતી ક્યું હો? રોના બંધ કરો, પુષ્પા! યે આંસુ મુઝે બિલકુલ

પસંદ નહીં. હાંય? આઇ હેટ ટિયર્સ.. સમજી તુમ? હાંય? આઈ હેટ ટિયર્સ..

અભી આંસુ પોંછો.. પોંછો આંસુ!.. હાં. અબ ઠીક હૈ… હાંય?’’

– મન્નુ શેખચલ્લી

 

ટીપ્પણી